રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર, ચોથા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ

ગુજરાતી સાહિત્ય માટે, ગુજરાતી પ્રજા માટે ગર્વ કરવા જેવી ઘટના બની છે. ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર રઘુવીર ચૌધરીને ભારતીય સાહિત્યનો નોબેલ સમાન જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાની જાહેરાત જ્ઞાનપીઠ પસંદગી સમિતી દ્વારા મંગળવારે કરવામાં આવી છે. 1964માં તેમની પ્રથમ નવલકથા ‘પૂર્વરાગ’ પ્રકાશિત થઈ ત્યારથી આજપર્યંત એટલે કે છેલ્લાં 51 વર્ષથી રઘુવીર ચૌધરી ગુજરાતી સાહિત્યક્ષેત્રે પ્રવૃત્ત છે અને જોગાનુજોગ તેમને 51મો જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે.
રઘુવીર ચૌધરીની ગુજરાતી નવલકથા ‘અમૃતા’, ‘ઉપરવાસ’ સહિત ઘણી કૃતિઓના હિન્દીમાં પણ અનુવાદ થયા છે. ગુજરાતી ભાષાસાહિત્યને જ્ઞાનપીઠથી પોંખવામાં આવ્યું હોય તેવો આ માત્ર ચોથો બનાવ છે. અગાઉ ગુજરાતી સાહિત્યકારો ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ અને રાજેન્દ્ર શાહને જ્ઞાનપીઠ પુરસ્કાર મળી ચૂક્યો છે. હવે આ યાદીમાં રઘુવીર ચૌધરીનું નામ પણ જોડાયું છે. નોંધનીય છે કે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરીના વેવાઈ થાય છે. રઘુવીર ચૌધરી વિશેની વધારે માહિતી માટે અહી ક્લિક કરો....
                      રઘુવીર ચૌધરી વિપુલ અને નોંધપાત્ર નવલકથા લેખન દ્વારા સતત વંચાતા નવલકથાકાર છે. નોવેલ ઑફ આઈડિયાનું નોંધપાત્ર દ્રષ્ટાંત ‘અમૃતા’ છે. એમની નવલકથાઓમાં માનવસંબંધની ખાસ કરીને સ્ત્રી-પુરુષ સંબંધની સંકુલતાનું આલેખન ધ્યાન ખેંચે છે.
                   રચનારીતિનું વૈવિધ્ય ધરાવતી તેમની વાર્તાઓમાં વ્યક્તિત્વ સંવેદનથી વ્યાપક અનુભવ તરફની ગતિ જોઈ શકાય છે. તેમની કવિતામાં વતન પ્રત્યેની અતૂટ માયા અને શહેરી વસવાટને કારણે અનુભવાતી જુદાઈની વેદના જોઈ શકાય છે. એકાંકી – નાટક, ચરિત્ર, નિબંધ, વિવેચન, સંપાદનક્ષેત્રે પણ તેમણે મહત્વનું પ્રદાન કર્યું છે.. રઘુવીર ચૌધરી વિશેની વધારે માહિતી માટે અહી ક્લિક કરો....
Previous
Next Post »
0 Komentar